Books For You

Grow Outward, Grow Inword

મુકુન્દરાય વિ. પારાશર્ય સ્મૃતિ ગ્રંથ : ભાગ -૧


મુકુન્દરાય વિ. પારાશર્ય સ્મૃતિ ગ્રંથ : ભાગ -૧ – સ્મૃતિદર્શન

મુકુન્દરાય વિ. પારાશર્ય સ્મૃતિ ગ્રંથ : ભાગ -૨ – છીપે પાકયાં મોતી

 

મુકુન્દરાય વિ. પારાશર્ય સ્મૃતિ ગ્રંથ : ભાગ -૩- પારાશર્યનું ભાવવિશ્વ

www.booksforyou.co.in

સંપાદકો: કનુભાઈ જાની * દિલાવરસિંહ જાડેજા* હરિકૃષ્ણ પાઠક

સ્મૃતિદર્શન

સંપાદકો: કનુભાઈ જાની * દિલાવરસિંહ જાડેજા* હરિકૃષ્ણ પાઠક

મુકુન્દરાય વિ. પારાશર્ય (જન્મ તા. ૧૩-૨-૧૯૧૪, અવસાન તા. ૧૯-૫-૧૯૮૫) મૂલ્યનિષ્ઠ સર્જકો માટે પરમ શ્રદ્ધેય સારસ્વત હતા. એમણે પોતાને એવી સલાહ આપેલી કે હે મુકુન્દ-હે મકના તું એવી છીપ થા કે તારામાં મોતી પાકે. આવું કેમ કરીને બને? દુનિયા દેખે નહીં એ રીતે ભવસાગરને તળિયે જીવીએ તો મોતી પકવતી છીપ બનવાની સાર્થકતા સાંપડે.

મરને તળિયે જીવીએ, દુનિયા દેખે નૈં, મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.

જોતાં જ મહાપ્રસાદની પ્રાપ્તિ થઇ હોય એવો ભાવ જગવતા ત્રણ ગ્રંથ મળ્યા. ‘મુકુન્દરાય વિ. પારાશર્ય સ્મૃતિગ્રંથ’ ભાગ-૧ સ્મૃતિદર્શન, ભાગ-૨ છીપે પાક્યાં મોતી અને ભાગ-૩ પારાશર્યનું ભાવવિશ્વ. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગુજરાતી સાહિત્યના ભાવક માટે આનાથી ચઢિયાતી કઇ ભેટ હોય? વારસદારો અને સ્નેહીઓએ આપણા આ વિરલ સારસ્વતનું સ્મારક ટ્રસ્ટ રચીને ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી આ ત્રણ ગ્રંથોનું સુંદર પ્રકાશન કર્યું છે.

ગાંધી સાહિત્યના અનન્ય અભ્યાસી દક્ષાબહેન પટ્ટણી મુકુન્દભાઇનાં બહેન થાય. મુકુન્દભાઇના સુપુત્ર પીયૂષભાઇ અને પુત્રી જ્યોતિબહેન સાથે સનતભાઇ મહેતાએ પોતાને સહાયક રાખીને કનુભાઇ જાની, દિલાવરસિંહ જાડેજા અને હરિકૃષ્ણ પાઠકની સંપાદક તરીકે સેવાઓ પ્રાપ્ત કરી છે. એમના લેખોથી આ ગ્રંથોની ગુણવત્તા વધી છે.

મુકુન્દભાઇના વ્યક્તિત્વ અને ગ્રંથો વિશે અભ્યાસીઓના લેખો ઉપરાંત એમનાં પુસ્તકોના આમુખ કે કેફિયતનો પણ અહીં સમાવેશ થયો છે. કનુભાઇ જાનીના સંપાદકીય લેખોમાંથી તો એક પુસ્તિકા બને. એ જ રીતે સનતકુમાર મહેતાનો સુદીર્ઘ લેખ (ભાગ-૧) પણ મુકુન્દભાઇના સર્જક વ્યક્તિત્વનું સરવૈયું આપે છે. ‘મુકુન્દભાઇમાં ઉદાસીનતા ન હતી. નાદુરસ્ત હોય તોય પલંગ પર સૂતાં સૂતાં આવનાર સાથે રસપૂર્વક વાત કરે. સાહિત્યકાર પોતાના આનંદનો વિતરક છે.’ (પૃ. ૧૯, ભાગ-૧) ૩૬ પૃષ્ઠના લેખનું સમાપન સનતભાઇએ હરિકૃષ્ણ પાઠકની અંજલિથી કર્યું છે. એની છેલ્લી પંક્તિ છે : ‘ફૂલની સુવાસે તમને પામશું.

સનતભાઇ હવે નથી. હરિકૃષ્ણભાઇને પૂછતાં જાણવા મળ્યું કે એ શામળદાસ કોલેજમાં અધ્યાપક હતા અને મુકુન્દભાઇ વિશે પીએચ.ડી કરવાના હતા. આ લેખ એમના સઘન અભ્યાસની સાક્ષી પુરાવે છે. દિલાવરસિંહજી પણ હવે નથી. પછીની મોટા ભાગની જવાબદારી કનુભાઇએ સંભાળી હશે. ખંડ-૨ અને ૩માં એમના સંપાદકીય લેખો છે. કનુભાઇએ સર્જક અને ચિંતક મુકુન્દભાઇની ખાસિયતો એમની કૃતિઓના ટૂંકા આસ્વાદ દ્વારા સૂચવી છે.

‘સુદામાચરિત’ ૧૫૯ વૃત્તમાં મુકુન્દભાઇ આપે છે. કનુભાઇના શબ્દોમાં: ‘અહીં સુદામાની પત્ની તો આટલું જ કહે છે કે મિત્ર છે, મળવા જાવ. કશું ન માગતા, એમનાં દર્શન જ બસ છે’

‘કશું ના માગશો, માત્ર જઇ શ્રીકૃષ્ણને મળો!’

ને કૃષ્ણે બાલસખાને જોયો કે દિગક્કાલનો પટ આખો ખસી ગયો! કૃષ્ણ કહે છે:

‘પવિત્ર આપે મુજ આંગણું કર્યું.’ ‘…હા, મુજ ભાગ્ય ક્યાંથી (જે) મારે ગૃહે આજ તમે તપોનિધિ.’ ને ઘરના સમાચાર પૂછે છે, ને પત્ની વિશે પણ. ત્યારે સુદામા કહે છે: ‘એ પ્રાણદાયી તુલસી-સુવાસ છે, મારા ગૃહસ્થાશ્રમના પરોઢથી દાંપત્યનો એ વિમલ પ્રકાશ છે.’

આમ, આ કાવ્ય માત્ર મિલનનું નથી, દાંપત્યનું પણ છે. સુદામાના તાંદુલ ઝૂંટવીને એકલા આરોગતા કૃષ્ણને રુકિમણી- ‘સહભાગી કહે શ્યામા: ‘મને શું સાવ વિસ્મરી?’ને છેલ્લે સુદામાને ત્યાં પણ કૃષ્ણકૃપાગાન કેવું સંભળાય છે :‘શુચિમય યશગાથા દંપતીની સુણાય.’ગુજરાતી પ્રેમાનંદીય ‘સુદામાચરિત્ર’ કરતાં સાવ જુદો જ ભાગવતાનંદીય અભિગમ! આરંભે જ પ્રશ્નોપનિષદને ટાંકીને પછી એક નાનકડી ટીપ મૂકે છે:‘કલામાત્રાનું પર્યવસાન એ નિષ્કલ તત્વમાં છે ને તેની સિદ્ધિમાં જ કલામાત્રની ઉપયોગિતા, સાર્થકતા, કૃતકૃત્યતા અને ગૌરવ છે.’ (‘બે આખ્યાનો’, પૃ. ૮)

વિદ્યાર્થી અવસ્થામાં મને મોટા ભાગના અગ્રણી સાહિત્યકારોને મળવાની એમની સાથે વાત કરવાની તક મળેલી. મકરંદ દવે અને મુકુન્દરાય પારાશર્યને મળવાની તાલાવેલી છેલ્લે સંતોષાયેલી. બંને સંસારમાં રહીને અધ્યાત્મના સાધક, પ્રવૃત્તિમય સંન્યાસી. બંને પ્રેમનો અખૂટ સ્ત્રોત. ગ્રંથાવલીના પ્રથમ ખંડમાં મારો લેખ છે. એનો અંત ભાગ અહીં રજૂ કર્યો છે.

‘મુકુન્દરાયભાઇ જેવા માણસો જે સગવડ-અગવડમાં પણ સતત સાચું જીવ્યા છે એ મળવા યોગ્ય છે. મળનાર એમને પ્રિય રહે છે અને મળનારને કંઇક મળે છે. તાજેતરમાં દિવસભરની દોડાદોડીમાં પણ હું એમને ત્યાં ડોકિયું કરી શક્યો અને બે ઘડી સાથે બેસી શક્યો એનો સંતોષ છે. બેસો અને નિરાંતે વાતો કરો. સમયમાં આગળ જ નહીં, ક્યારેક પાછળ પણ જવા જેવું હોય છે.

‘નબૂ’ નામના રેખાચિત્રમાંનો આ ફકરો જીવનને જોવાની એમની દ્રષ્ટિનો પણ ખ્યાલ આપી રહે છે:‘અષાઢે ઘર પર વાદળાં વરસી જાય પછી ફળીમાં ભરાયેલ પાણી પર ખોરડાનાં નેવાં રહી-રહીને ટપક્યાં કરે તેમ નબૂ તો મારા પર વરસતાં વરસી ગઇ, એને આજકાલ કરતાં પચાશ વર્ષ થવા આવ્યાં, પણ હૃદયની સજલ કરેલી ધરતી પર એનાં સ્મરણનાં નેવાં ચૂયાં કરે છે અને આંતર જળમાં વતુgલો ફેલાવે છે.’

પ્રેમનું આ અશરીરી રૂપ અનેક વ્યક્તિઓના અંતરમાં પડ્યું હોય છે. એ ક્યારેક વહેલું ઊઘડે, ક્યારેક મોડું.’ (પૃ. ૧૨૩, ભાગ-૧)મુકુન્દભાઇનાં મુક્તકો જીવનનો મર્મ સૂચવી પ્રેરણા આપે છે.

અમે મસાણનાં ઝાડ, નૈ વાડી વગડા તણાં,

ચિતા દઝાડે હાડ, ઢાળી સૌ પર છાંયડી.

સ્મશાનમાં થોડાંક વૃક્ષો તો હોય જ. એ ચિતા ખડકવાની જગાથી બહુ દૂર ન હોય. ચિતાની જવાળાઓ પવન પ્રમાણે દિશા બદલતી રહે. આસપાસનાં બધાં વૃક્ષોની ડાળીઓએ દાહ વેઠવાનો આવે. પણ જે ક્ષણે ડાળીઓ એટલે કે ઝાડનાં હાડ અને દાહ વેઠતાં હોય એ ક્ષણે પોતાનો છાંયડો એ સંકેલી લે ખરાં? ના, જાતે દાઝવું પણ બીજા પર છાંયડી ધર્યા કરવી!

એક બીજો દોહો જોઇએ:

માપે નભને પંખીઓ પાંખ પ્રમાણે ભાઇ!

આંખ પ્રમાણે માનવી ભાળે,કંઇ ન નવાઇ!

અગાઉ જેમ મોતી પકડતી છીપ થવાની અભીપ્સા સૂચવતો દોહો જોયો તેમ એમની જીવનદ્રષ્ટિ સૂચવતો બીજો દોહો પણ યાદ રાખવા જેવો છે:

મકના મર તો એવો મર કે મન થઇ જાયે રાખે,

એની ભભૂત લગાડીને અલખ નિરંજન ચાખ.

રઘુવીર ચૌધરી (સૌજન્ય : દિવ્ય ભાસ્કર )

Advertisements

ફેબ્રુવારી 15, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: